EPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે

શ્રમમંત્રાલયે EPFO ને તેના પાંચ કરોડ સભ્યોને કાયમી પીએફ ખાતા
નંબર ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો છે , જેથી તેઓએ પોતાની નોકરી બદલતી વખતે પ્રોવિડન્ટ ફંડ ખાતાને તબદીલ કરવાની જરૂર ન પડે .
સૂત્રોના જણાવ્યા અનુસાર , સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ( સીબીટી ) ની પાંચ ફેબ્રુઆરીની બેઠક દરમિયાન શ્રમ સચિવ ગૌરી કુમારે ઇપીએફઓને આના સંદર્ભમાં આદેશ આપ્યો હતો .
સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે કુમારે ઇપીએફઓના સેન્ટ્રલ ફંડ કમિશનર કેકે જાલનને બોર્ડની આગામી બેઠકમાં પ્રોજેક્ટ કેટલો આગળ વધ્યો તેની માહિતી આપવા તથા કામગીરીને પૂર્ણ કરવાની સમયમર્યાદા જણાવવાનો પણ આદેશ કર્યો હતો . જોકે હજુ સુધી આગામી બેઠકની તારીખ નિર્ધારિત થઈ નથી .
કાયમી પીએફ ખાતા નંબરના કારણે બાંધકામ જેવા ક્ષેત્રમાં કામ કરતા કામદારોને સામાજિક સુરક્ષાનો લાભ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી શકે , જ્યાં તેઓ કોન્ટ્રાક્ટર્સ તથા કામગીરીના સ્થળને વારંવાર બદલતા હોય છે . એક અધિકારીએ જણાવ્યું હતું કે 2014-15 માં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં કોઈ મુશ્કેલી નથી .